21st February is International Mother Language Day and our blog is hosting a 2 day celebration of languages. A series of blog posts by people from different walks of life – sharing their thoughts on languages, memories and more. International Mother Language Day is an observance held annually on 21 February worldwide to promote awareness of linguistic and cultural diversity and multilingualism.
(This post was sent in by Ashok Parmar – Central Team Member – Pratham Education Foundation Gujarat. Ashok started his journey with Pratham, in 2008, as an intern, while he was doing his Masters in Social Work. Ashok has a keen interest in Statistics and data analysis. He has also developed a keen interest in language, and enjoys working on stories and content created in Gujarati.)
In this post he answers the question ‘What is the importance of Mother Language?’. “Mother language to me is a critical part of child rearing and learning. Current trends of admitting children in English medium schools and not being competent to cope, results in dissatisfaction with the child’s progress. Children are often then re-admitted into the mother language medium school. This process can hamper the child’s development.”
**********
આજે છે વિશ્વ માતૃભાષા દિવસ. ગુજરાતી ભાષાનો મહિમા કરવાનો દિવસ.
એકવીસમી ફેબ્રુઆરી આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ એ હકીકતમાં માતૃભાષા માટે આંદોલનનો દિવસ છે. પરંતુ હું તો તેને ઉજવણીનો દિવસ કહીશ. કારણ કે ભાષા એ અભિવ્યક્તિનું માધ્યમ છે. મારી માતૃભાષામાં હું મારા વિચારો અને મારી જાતને વધુ સારી રીતે સ્પષ્ટ કરી શકું છું.
મા, માતૃભાષા અને માતૃભૂમિનો અન્ય કોઇ વિકલ્પ નથી! અંગ્રેજી ભાષાને ભાંડવાથી આપણી ભાષા જીવી નહીં જાય. તેના માટે આપણે સૌએ સાથે મળીને કામ કરવું પડશે.
આપ માતૃભાષાને ચાહો છો. ભાઈ! આજના આ દિવસનો હેતુ પણ આપણી માતૃભાષા છે. આપણે બધા દૂર દૂર સુધી જોડાયેલા છીએ તે પણ આપણી માતૃભાષાને કારણે જ તો… કહેવાય છે કે,
જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ..પરંતુ, જ્યાં ન પહોંચે કવિ, ત્યાં પહોંચે ગુજરાતી.
અને એટલે જ.. હા, આજના ‘વિશ્વ માતૃભાષા દિવસ’ નિમિતે આપ સર્વને ખૂબ ખૂબ શુભેચ્છાઓ..!!
આજે આપણે જોઈએ છીએ કે વાલીઓમાં પોતાના બાળકોને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાની હરીફાઈ થતી જોવા મળે છે. શું ગુજરાતીમાં ભણતું બાળકપ્રગતિ કરવામાં કે કરિયર બનાવવામાં નિષ્ફળ જાય છે? બાળક માટે કયુ માધ્યમ સારું નીવડી શકે ? તમે શા માટે તમારા સંતાનને અભ્યાસ માટે ગુજરાતી માધ્યમમાં મૂક્યું છે? જેવાં ઘણા બધાં સવાલો સ્વાભાવિકપણે મનમાં ઉદભવે છે.
શિક્ષણ ક્ષેત્રે કામ કરતી સંસ્થા ‘પ્રથમ’ સાથેના મારા ૮ વર્ષના અનુભવના આધારે આજે મને સમજાઈ રહ્યું છે કે બાળકોને શિક્ષણ તો પોતાની માતૃભાષામાં જ મળવું જોઈએ અને આજે હું પણ આ વાતને ફોલો કરી રહ્યો છું. એક ભાઈને મેં પૂછ્યું કે તમારા સંતાનને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાનું કોઈ ખાસ કારણ? તો તેમનો જવાબ હતો કે હું તો સરકારી પ્રાથમિક શાળામાં ભણ્યો છું. પરંતુ મારા ગ્રુપમાં તમામ લોકોના સંતાનો અંગ્રેજી માધ્યમમાં ભણે છે એટલે મેં પણ આ નિર્ણય કર્યો. જો કે સંસ્કૃતિ ટકે તે માટે માતૃભાષામાં શિક્ષણ મળે તે જરૂરી છે. મારા સંતાન ઉપર બહારના વાતાવરણની અસર ન થાય તે માટે તેમજ સંસ્કાર ટકાવી રાખવા માટે પરિશ્રમ કરવો પડે છે તે પણ વાસ્તવિકતા છે.
સંતાનને અંગ્રેજી માધ્યમમાં મૂકીએ તો તેના વિકાસ પર તેની અસર પડે છે તે વાત સાચી? અંગ્રેજી માધ્યમમાં ભણાવતા વાલીઓ માટે થોડાક અંશે આ વાત સાચી છે. મારા એક મિત્રએ પહેલા પોતાના બાળકને અંગ્રેજી મિડિયમમાં મૂકેલો પરંતુ તે બાળકને ભાષા શીખવામાં ખુબ જ મુશ્કેલી પડતી. મેં મારા મિત્રને તે બાળકને ગુજરાતી મીડીયમમાં ભણાવવા માટે સલાહ આપી. આજે તે બાળકમાં સારૂ એવું પરિણામ જોવા મળ્યું છે.
જો કે એ વાત પણ સાચી કે કેટલાક વાલીઓ માત્ર ને માત્ર દેખાવ અને સ્ટેટ્સ માટે પોતાના બાળકને અંગ્રેજી માધ્યમમાં મૂકે છે. બાકી બાળકની વૈચારિક પ્રક્રિયા માતૃભાષાના શિક્ષણથી જ વિકસે છે. અંગ્રેજી માધ્યમમાં આર્થિક પાસુ કેટલું મહત્વનું છે? જે પેરેન્ટસ પૈસાદાર છે તે અંગ્રેજી માધ્યમમાં ભણાવે છે તેવું નથી. મારો એક મિત્ર કે જે સામાન્ય કુટુંબમાંથી આવે છે, છતાં પણ તે પોતાના સંતાનને અંગ્રેજી માધ્યમમાં ભણાવે છે. બસ અંગ્રેજી માધ્યમમાં ભણાવીએ તો નોકરી સહેલાઈથી મળી જશે તેવી આશા સાથે તેઓ આમ કરે છે. દેખાદેખી પણ તેમાં મહત્વનું પરિબળ છે.
“બેટા ! જલ્દીથી વેક-અપ થઇ જા, બ્રેક-ફાસ્ટ કરીને લર્ન કરવા માંડ. યસ્ટરડેથી તારી એક્ઝામ સ્ટાર્ટ થાય છે. જો તું લર્ન નહિ કરે તો બેક રહી જઈશ અને તારા ફ્રેન્ડસ ફોરવર્ડ થઇ જશે. તો ફાસ્ટ ફાસ્ટ બાથ લઇ ફ્રેશ થઇ જા. જો તો મેં તારા માટે હોટ-હોટ થેપલા બનાવ્યા છે અને તારી ચા પણ કોલ્ડ થઇ રહી છે.” અહી એક મમ્મી તેના અંગ્રેજી માધ્યમમાં ભણતા પોતાના બાળક સાથે વાત કરે છે તે ભાષાને આપણે શું કહીશું? વાઈબ્રન્ટ ગુજરાતી … ?
અમને વહાલી ગુજરાતી
છે માબોલી ગુજરાતી
અમને વહાલી ગુજરાતી
હેમચંદ્રની ગુજરાતી
નરસિંહ મીરાંની ગુજરાતી
વીર નર્મદની ગુજરાતી
ગાંધીગીરા છે ગુજરાતી
સહુ કોઇની ગુજરાતી
ધન્ય ધન્ય છે ગુજરાતી
સમજીએ સહુ ગુજરાતી
બોલીએ સહુ ગુજરાતી
વાંચીએ સહુ ગુજરાતી
લખીએ સહુ ગુજરાતી
છે માબોલી ગુજરાતી
અમને વહાલી ગુજરાતી.
માબોલી: માતૃભાષા
(ગિરીશ પરીખ મોડેસ્ટો, કેલિફોર્નિયામાં વસતા સ્વતંત્ર લેખક અને પત્રકાર છે.)